Sunday, January 18, 2015

પૂજારી : કૃષ્ણલાલ શ્રીધરાણી





















ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળ દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા !

મંદિરના આ ભવ્ય મહાલો, બંધન થાય મને;
ઓ રે પૂજારી! તોડ દિવાલો, પાષાણ કેમ ગમે?
ન પ્રેમનું ચિહ્ન આ ! પૂજારી પાછો જા !

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નિંદર લેતો, (ને) નૈવેદ્ય તું ધરનાર?
ખરી તો એની પૂજા, પૂજારી પાછો જા !

દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? બ્ હાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પણ પથરા;
ઓ તું જો ને જરા ! પૂજારી પાછો જા !

માળી કરે ફૂલ– મ્હેંકતી વાડી, ફૂલને તું અડ કાં ?
ફૂલ ધરે તું : સહવાં એને ટાઢ અને તડકા!
એ તે પાપ કે પૂજા? પૂજારી પાછો જા !

ઓ રે પૂજારી ! આ મંદિર કાજે, મજૂર વહે પથરા;
લોહીનું પાણે તો થાય એનું, ને નામ ખાટે નવરા !
અરે તું ના શરમા? પૂજારી પાછો જા !

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ઘ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી , ઘંટ બજે ઘણમાં;
પૂજારી સાચો આ ! પૂજારી પાછો જા !

Saturday, August 18, 2012

મૌન બલોલી











ગઝલ

પ્રત્યેક માનવીની જેમ હું ચિક્કાર છું,
છું માનવી ને માનવીની બહાર છું.

એ ભીંતના ટેકે જીવે છે બાપડું,
સરિયામમાં કહેતું ફરે છે દ્વાર છું.

જેનો ઝરૂખો શહેરમાં ચર્ચાય છે,
એની તળે ઢંકાયેલો આધાર છું.

પણ આંગળીની ખડકીઓ ખોલી જુઓ,
ગમતા લયોનો હું ય એક વિસ્તાર છું.

સૂરજ-કથાથી કાન ફૂંકાતા રહ્યા,
ને ત્યારથી તે આજ લગ અંધાર છું.

છું ખૂશ્બુને હત્યાનો પૂરાવો છતાં
ચર્ચાઉં છું કે ડાળખી પર ભાર છું.

પણ કૈંક અવતરતું હશે મારા વિષે
હું પણ નગરમાં ફરતું કારાગાર  છું.

ખામોશ પામ્યો અન્યથી બસ એટલું,
કે હું જ મારો એકલો અવતાર છું.


ગોફણ

હિંસાના પરપોટા
પાણીમાં હવા કેદ છેત્યાં લાગી તો થવાના જ.
ખૂન ગમે તે રોડ પર થાય
કે ગમે તે શેરીમાં થાય
પણ રણભૂમિ પર કડી જ થતું નથી!
એટલેસ્તો મારાં જવાંમર્દ માબાપે
રામ અને કૃષ્ણ જેવાને ખીલે ઠોકી
ઘરની ભીંતો શણગારી છે.
વૃદ્ધ ખીસામાં દેશી પરચૂરણ
ખખડાવતાં ખખડાવતાં એમણે
ડાબા હાથમાં ચાબૂતારાનો પ્લાન આપ્યો છે
ને જમણા હાથમાં ગોફણ
એ સાવ સાચી  વાત છે,
પણ રામ કે કૃષ્ણ કેવળ અફવા લાગે છે
ને વાલ્મિકી અને વ્યાસ
ગાંડાની ઈસ્પિતાલમાંથી છટકેલા કેદી !
મરતાં ને મેર કહેતાં કહેતાં
મારા રૂંવે રૂંવે
ફોરી ઉઠતાં ચંદનવન લોકવાયકા હશે,
નહીતર ચોર્યાશી લાખ સ્ટેશન ફર્યો
તો પણ હું માટીપગો
માણસ નામના શહેરમાં
વારસામાં મળેલી એ ગોફણ
હજી ય વીંઝ્યા કરું છું...
હજી ય વીંઝ્યા કરું છું...

Thursday, August 16, 2012

અનિલ જોશી























કીડીએ ખોંખારો ખાધો

ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં  કીડીએ ખોંખારો ખાધો,
                                        તમને નથીને કાંઇ વાંધો?
માખીએ મધપૂડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત ?
       લીમડા ઉપરથી ઊતરતી કીડીનો ગુંદરના ટીપામાં અંત?
ખરી જતા પાંદડાંને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાવ હવે સાંધો.
      ક્રાઉં, ક્રાંઉં...
આંબાની ડાળીએ લીંબોળી ઝૂલતી ને લીમડાની ડાળીએ કેરી?
તરસી કીડીને માથે ગાગર ઢોળાય છતાં પંડિતની આંખ હજી બ્હેરી?
      કીડીના પડછાયે જંગલ ઢંકાઈ ગયું જાવ હવે તડકાને બાંધો!
ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં  કીડીએ ખોંખારો ખાધો,
                                        તમને નથીને કાંઇ વાંધો?

Wednesday, August 15, 2012

બિપિન મેશિયા

અંતરાળ

આપણી વચાળ અંતરાળ !
સોય અંગઅંગમાં પ્રસારતી રહંત ઝેર ,
વેર-વમળમાં બહેક્તા રહંત કૈંક કેર,
પ્રાણહીન થાય ઊર્ધ્વમૂલ તરુવરો અકાળ.
ડાળથી ખરંત અંધકાર-ખેપટો કરાળ.
ચાલવું પથે ઉદગ્ર હાથમાં ગ્રહી મશાલ.
કોણ  આ બિછાવતું સુરંગ-જાળ? શી મજાલ?
રક્તની ધ્વજા હલાવતી હવે જ્વલંત ઝાળ ,
અંતરાળને તળે ઉપર કરી રહે વરાળ?
આપણી વચાળ અંતરાળ !

ભરત મહેતા













સારે જહાં સે અચ્છા 


જાણે
શો નશો કર્યો હશે કે
૧૫ મી ઓગસ્ટે
આકાશે છોડેલાં
મૂક્તિદૂત શાં
કબૂતરો
માંહેમાંહે ધર્મયુદ્ધે ચડ્યાં છે.
ણે-
ટપકે છે રક્તબિંદુઓ
ટપ...ટપ..ટપ..
વારે વારેતહેવારે
ને-
છાશવારે
નીચે લાગેલી લાંબી નેતાકતારે
ગણાવી લીધી છે ગુલાલવર્ષા
ને-
શરૂ કર્યું છે રાગડા તાણીતાણીને
સારે જહાં સે અચ્છા  હિન્દુસ્તાં હમારા!

Thursday, August 9, 2012

મરીઝ














મુક્તક 

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે,
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોનાં નમક શોધે છે!

ઉશનસ




રામની વાડીએ


રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી
આપના નામની અલગ છાપ  ન પાડીએ જી .
જગને કોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ,
ધર્માદા ચણથી પંખી ન ઉડાડી એ જી. રામની.
રામની વાડી ગામ આખાની , હોય ન એને  વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડી એ જી. રામની..
રામની વાડી ભોગવવી ભાઈ , હકનાં પાઈ નીર ,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણા  માંડીએ જી.રામની .

સૌમ્ય જોશી


ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ


આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
વાંક એનો ખરો,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ !
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
ઉં ખાલી એટલું કઉ’સું.
કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સે તારા આરસના,
એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ ગ્યો સે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!
('ગ્રીન રૂમમાં' માંથી )

કરસનદાસ માણેક



મને એ જ સમજાતું નથી ! 


મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.
ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.
ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

Wednesday, July 27, 2011

પ્રિયકાંત મણિયાર






















એ લોકો 

એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.

એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.

એ લોકો પહેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.

તે તે લોકો છે જ નહિ.
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ !


સુન્દરમ્





















ઘણ ઉઠાવ


ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.
                        તોડીફોડી પુરાણું,
                      તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.


- ‘આદિલ’ મન્સૂરી


















લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો

આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે’ર બળે છે રોકો

ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો

ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો

શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો

છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો

ઉમાશંકર જોશી





















જઠરાગ્નિ 

(ઉપજાતિ છંદ, સ્વતંત્ર સૉનેટ રચના)
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
.                 અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !


મફત ઓઝા


અમારી વેદના

માણસ હોવાની વેદના
જ્યારથી મને સમજ આવી ત્યારથી ભોગવી રહ્યો છું.
કોઈ પણ માની કૂખ કરતાં
મારી મા અસ્પૃશ્ય હતી એની ખબર હોત તો 
મેં જન્મ પહેલાં આત્મહત્યા કરી હોત.
મારું પ્રતિબિંબ
એ લોકોની આંખમાં પડે તોય-
એ એમની આંખો ફોડી નથી નાખતા
કે નથી હડસેલી શકતા અમારા પડછાયાઓને-
અમને  વિન્ટળાયેલો પવન એ ઓઢી શકે છે ને શ્વસી શકે છે વરસો સુધી.
વૃક્ષની છાયા નીચે અમે ખંખેરેલાં ખોળિયાં
તેઓ પહેરી પેઢીઓની પેઢીઓ જીવી લે છે.
આટલાં વર્ષો પછી પણ ક્યારેય
તડકો અમારાથી અભડાઈ કાળો પડ્યાનો
કોઈ દસ્તાવેજ  નથી મળ્યો કોઈ પેઢીના કબાટમાંથી.
કાળો પડછાયો ઓઢી
આપને સૌ જન્મ્યા છીએ
ને એ ઓઢીને જ પોઢી જવાનું છે છેલ્લે-
આપને દટાવાના છીએ એ માટીને
કદીયે આપને નોખી કરી શક્યા નથી મિત્રો
પછી પરસ્પરને ધિક્કારવાનો છે કોઈ અર્થ?
અમે
તમારા બગીચાઓમાં ખીલેલા ફૂલોની સુગંધ માટે
કદીયે પવનને દિશા નથી ચીંધી.
નથી લંબાવ્યાં અમારાં પ્રતિબિંબો અમે તમારાં આંગણા સુધી-
હવે અમે ખુલ્લા તડકામાં
ઊભા છીએ એની ઈર્ષ્યા ન કરો દોસ્તો!