અમારી વેદના
માણસ હોવાની વેદના
જ્યારથી મને સમજ આવી ત્યારથી ભોગવી રહ્યો છું.
કોઈ પણ માની કૂખ કરતાં
મારી મા અસ્પૃશ્ય હતી એની ખબર હોત તો
મેં જન્મ પહેલાં આત્મહત્યા કરી હોત.
મારું પ્રતિબિંબ
એ લોકોની આંખમાં પડે તોય-
એ એમની આંખો ફોડી નથી નાખતા
કે નથી હડસેલી શકતા અમારા પડછાયાઓને-
અમને વિન્ટળાયેલો પવન એ ઓઢી શકે છે ને શ્વસી શકે છે વરસો સુધી.
વૃક્ષની છાયા નીચે અમે ખંખેરેલાં ખોળિયાં
તેઓ પહેરી પેઢીઓની પેઢીઓ જીવી લે છે.
આટલાં વર્ષો પછી પણ ક્યારેય
તડકો અમારાથી અભડાઈ કાળો પડ્યાનો
કોઈ દસ્તાવેજ નથી મળ્યો કોઈ પેઢીના કબાટમાંથી.
કાળો પડછાયો ઓઢી
આપને સૌ જન્મ્યા છીએ
ને એ ઓઢીને જ પોઢી જવાનું છે છેલ્લે-
આપને દટાવાના છીએ એ માટીને
કદીયે આપને નોખી કરી શક્યા નથી મિત્રો
પછી પરસ્પરને ધિક્કારવાનો છે કોઈ અર્થ?
અમે
તમારા બગીચાઓમાં ખીલેલા ફૂલોની સુગંધ માટે
કદીયે પવનને દિશા નથી ચીંધી.
નથી લંબાવ્યાં અમારાં પ્રતિબિંબો અમે તમારાં આંગણા સુધી-
હવે અમે ખુલ્લા તડકામાં
ઊભા છીએ એની ઈર્ષ્યા ન કરો દોસ્તો!
No comments:
Post a Comment