ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળ દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા !
મંદિરના આ ભવ્ય મહાલો, બંધન થાય મને;
ઓ રે પૂજારી! તોડ દિવાલો, પાષાણ કેમ ગમે?
ન પ્રેમનું ચિહ્ન આ ! પૂજારી પાછો જા !
એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નિંદર લેતો, (ને) નૈવેદ્ય તું ધરનાર?
ખરી તો એની પૂજા, પૂજારી પાછો જા !
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? બ્ હાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પણ પથરા;
ઓ તું જો ને જરા ! પૂજારી પાછો જા !
માળી કરે ફૂલ– મ્હેંકતી વાડી, ફૂલને તું અડ કાં ?
ફૂલ ધરે તું : સહવાં એને ટાઢ અને તડકા!
એ તે પાપ કે પૂજા? પૂજારી પાછો જા !
ઓ રે પૂજારી ! આ મંદિર કાજે, મજૂર વહે પથરા;
લોહીનું પાણે તો થાય એનું, ને નામ ખાટે નવરા !
અરે તું ના શરમા? પૂજારી પાછો જા !
ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ઘ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી , ઘંટ બજે ઘણમાં;
પૂજારી સાચો આ ! પૂજારી પાછો જા !