Wednesday, July 27, 2011

પ્રિયકાંત મણિયાર






















એ લોકો 

એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.

એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.

એ લોકો પહેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.

તે તે લોકો છે જ નહિ.
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ !


સુન્દરમ્





















ઘણ ઉઠાવ


ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.
                        તોડીફોડી પુરાણું,
                      તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.


- ‘આદિલ’ મન્સૂરી


















લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો

આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે’ર બળે છે રોકો

ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો

ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો

શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો

છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો

ઉમાશંકર જોશી





















જઠરાગ્નિ 

(ઉપજાતિ છંદ, સ્વતંત્ર સૉનેટ રચના)
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
.                 અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !


મફત ઓઝા


અમારી વેદના

માણસ હોવાની વેદના
જ્યારથી મને સમજ આવી ત્યારથી ભોગવી રહ્યો છું.
કોઈ પણ માની કૂખ કરતાં
મારી મા અસ્પૃશ્ય હતી એની ખબર હોત તો 
મેં જન્મ પહેલાં આત્મહત્યા કરી હોત.
મારું પ્રતિબિંબ
એ લોકોની આંખમાં પડે તોય-
એ એમની આંખો ફોડી નથી નાખતા
કે નથી હડસેલી શકતા અમારા પડછાયાઓને-
અમને  વિન્ટળાયેલો પવન એ ઓઢી શકે છે ને શ્વસી શકે છે વરસો સુધી.
વૃક્ષની છાયા નીચે અમે ખંખેરેલાં ખોળિયાં
તેઓ પહેરી પેઢીઓની પેઢીઓ જીવી લે છે.
આટલાં વર્ષો પછી પણ ક્યારેય
તડકો અમારાથી અભડાઈ કાળો પડ્યાનો
કોઈ દસ્તાવેજ  નથી મળ્યો કોઈ પેઢીના કબાટમાંથી.
કાળો પડછાયો ઓઢી
આપને સૌ જન્મ્યા છીએ
ને એ ઓઢીને જ પોઢી જવાનું છે છેલ્લે-
આપને દટાવાના છીએ એ માટીને
કદીયે આપને નોખી કરી શક્યા નથી મિત્રો
પછી પરસ્પરને ધિક્કારવાનો છે કોઈ અર્થ?
અમે
તમારા બગીચાઓમાં ખીલેલા ફૂલોની સુગંધ માટે
કદીયે પવનને દિશા નથી ચીંધી.
નથી લંબાવ્યાં અમારાં પ્રતિબિંબો અમે તમારાં આંગણા સુધી-
હવે અમે ખુલ્લા તડકામાં
ઊભા છીએ એની ઈર્ષ્યા ન કરો દોસ્તો!

હિંમત ખાટસૂરિયા



અક્ષર

હવે આકાશ માગે છે નવેસર આગના અક્ષર,
નવા તોફાનથી સજ્જિત જીવનના રાગના અક્ષર.

બદલતી આ હવાના રંગ પારખજો તમે દોસ્તો,
અગનફૂલ ખીલવે આજ બાગી બાગના અક્ષર.

કદમ કદમે હવે આંધીના એંધાણો ઉંબરમાં છે,
દફન થશે આ દુનિયાના સિનેથી દાગના અક્ષર.

રહો બેસી ન દોસ્તો, જ્યાં કશે મોકો જરા જુઓ,
લગાવો ઘવ આખરના , ન હો અવ ફાગના અક્ષર.

ઝબોળી જિંદગીને દ્યો તમે તેજાબની લહરે,
પ્રગટશે તો જ ત્યારે  સૌમ્ય સોહાગના અક્ષર.

મેઘનાદ હ.ભટ્ટ














ગુરુ દ્રોણાચાર્યને એકલવ્યનો પ્રશ્ન (માર્ચ૧૯૮૧માં)


સવર્ણોની સેવામાં નિર્માલ્ય બનેલી આ કાયાના પડછાયા માત્રથી
તમારા ગામના શ્વાનો ભસવાનું ભૂલી જશે તો કઈ વાતનું આશ્ચર્ય કરશો
હે બ્રાહ્મણશ્રેષ્ઠ?
આજે આટલા વર્ષે શેની ભિક્ષા માંગો છો આ અછૂત બાળક પાસે?
ગુરુદક્ષિણામાં મેં આપેલ
જમના હાથનો અંગૂઠો પૂરતો નહોતો
કે
મારાં ગામથી તીરકામઠાં
અને જમણા હાથમાં બાકીનાં આંગળાંની
આજે ફરી પાછી ભીખ માગો છો,  ગુરુવર્ય?

કરસનદાસ લુહાર





















ગીત


ખચ્ચ દઈ સૂરજમાં બોળી
કાગાભાઈએ ચાંચ,
કાળું લોહી લખે કવિતા,
વાંચી શકે તો વાંચ.

હવે વાંચવા માટેના , આંખો પર ચશ્માં ખોટા,
આ અક્ષરના કોઈ પડાવે જમ્બો ઝેરોક્ષ ફોટા.

મર્મી મલાવ તળાવે પીજે
મીનળ સરખી ખાંચ,
કાળું લોહી લખે કવિતા,
વાંચી શકે તો વાંચ.

રાતો કાગળ,કાળા શબ્દો,ધોળા અર્થો ધબડક,
ડામણ તૂટે, હેષા ફૂટે,તબડક તબડક તબડક.

ચલ્લી શિંગ ફૂટે તો આપે
અશ્વા મોટી લાંચ,
કાળું લોહી લખે કવિતા,
વાંચી શકે તો વાંચ.

કંવલ કુંડલાકર



ધર્મ

કોઈપણ માહિતી ફોર્મમાં
ધર્મ
સામેની ખાલી જગ્યામાં
અધર્મી
લખી શકાતું નથી, અને મારો સ્વધર્મ
અસ્તિત્વમાં આવી શકતો નથી.